રાતના સમયે પેશાબ થઈ જવા પર બાળકો માટે માર્ગદર્શન
(Advice for children with night time wetting, Gujarati translation)
બાળપણમાં પથારીમાં પેશાબ થઈ જવો તે ખૂબ જ સામાન્ય બાબત છે, આ સમસ્યા સાત વર્ષની ઉંમરના 15 માંથી 1 બાળકને અને કિશોરોમાં 75 માંથી 1 ને અસર કરે છે. આ સમસ્યા પારિવારિક છે, પરંતુ તેમાં કોઈની ભૂલ નથી.
આ સમસ્યામાંથી તમારું બાળક ઉંમર સાથે સુધારો મેળવે તેની રાહ જોવાની જરૂર નથી – 5 વર્ષની ઉંમરથી લઈને સારવાર ઉપલબ્ધ છે (NICE માર્ગદર્શિકા મુજબ).
સૌ પ્રથમ, આપણે એ જાણવું જોઈએ કે શા માટે તમારાં બાળકને અજાણતા મૂત્રત્યાગની સમસ્યા છે – તેના ઘણા બધા અલગ-અલગ કારણો છે તથા પ્રત્યેક માટે વિશેષ સારવાર છે.
કબજિયાતના કારણે રાતના સમયે પેશાબ થઈ જતો હોય છે:
- પેટમાં મૂત્રાશયને ફૂલવા અને ભરાવવા માટે જે જગ્યા જોઈએ છે તે મળથી ભરેલા આંતરડાં દ્વારા રોકાય જાય છે.
- જેથી રાતના સમયે મૂત્રાશયમાં સંપૂર્ણ મૂત્ર એકત્રિત કરી શકવા માટે પૂરતી જગ્યા બચતી નથી, અને મૂત્રત્યાગ થઈ જાય છે.
- પથારીમાં પેશાબ થઈ જવા સિવાય કબજિયાત પર ધ્યાન જતું નથી, તેથી હંમેશા પહેલા આંતરડાંની તપાસ કરો.
- ERIC નું કબજિયાત ધરાવતાં બાળકો માટે માર્ગદર્શન (Advice for children with constipation) એ કબજિયાતના વધુ ચિહ્નો વિશે કેવી રીતે જાણવું અને તે અંગે શું કરવું તે જણાવે છે.
કેટલાક બાળકોને દિવસના સમયે પણ મૂત્રાશય સંબંધિત સમસ્યા હોય છે:
- જેમાં વધુ વખત જવાની જરૂર/તાત્કાલિકતા/દિવસના સમયે પેશાબ થઈ જવાનો સમાવેશ થઈ શકે છે.
- પેશાબની નળીઓમાં ઇન્ફેકશન (યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેકશન, UTI) ના કારણે પણ રાતના સમયે પેશાબ થઈ જતો હોય છે.
- રાતના સમયની મૂત્રાશયની સમસ્યાઓની તપાસ કરતા પહેલાં દિવસના સમયની મૂત્રાશય સંબંધિત સમસ્યાઓનું નિવારણ કરવું જરૂરી છે.મૂત્રાશય કેવી રીતે કાર્ય કરે છે, અને મૂત્રાશય સારી રીતે કાર્ય કરે તે માટેના 4 પગલાંને અનુસરીને તેની સંભાળ કેવી રીતે રાખવી તે જાણવા માટે ERIC નું દિવસના સમયે મૂત્રાશય સંબંધિત સમસ્યાઓથી પીડાતા બાળકો માટે માર્ગદર્શન (Advice for children with daytime bladder problems) વાંચો.
મૂત્રાશયની કામગીરી સ્વસ્થ છે છતાં હજુ પણ પેશાબ થઈ જાય છે?
તો સૂતા પહેલાં કરવા લાયક કાર્યની યાદી બનાવો:
- દિવસના સમયે યોગ્ય રીતે પ્રવાહી લેવાનું રાખો – પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લો,
ઉચિત સમયાંતરે પ્રવાહી લો અને બાળકો કેવું પ્રવાહી લે છે તે જાણો – તેની સાથે-સાથે રાતના સમયે પ્રવાહી લેવાના ઉચિત નિત્યક્રમ પર પણ ધ્યાન આપો. દરરોજ રાતે સૂવાના એક કલાક પહેલાં પ્રવાહી લેવાનું બંધ કરો અને તે પછી સવાર સુધી કોઈપણ પ્રકારનું પ્રવાહી ન લો. - રાતના સમયે શૌચ કરવાની ઉચિત આદત કેળવો. સૂવા જવાની તૈયારીના ભાગ રૂપે રિલેક્સ થઈને એક વખત શૌચ માટે જાવ, અને જો સૂવામાં ½ કલાક કરતાં વધુ સમય વિતી જાય તો સૂતા પહેલાં ફરી એક વખત શૌચ માટે જાવ.
- નેપ્પી વગર એક વખત ટ્રાય કરો. જો હંમેશા નેપ્પીમાં પણ પેશાબ થઈ જતો હોય,
તો પણ ઓછામાં ઓછા એક અઠવાડિયાં માટે, અને બની શકે તો બે અઠવાડિયાં માટે નેપ્પી ન પહેરાવાનો પ્રયાસ કરો, નહીં તો તમારું બાળક જ્યારે પણ પેશાબ કરશે ત્યારે તેને ક્યારેય ભીનું નહીં લાગે. બની શકે કે આ તેમણે જાગવાની જરૂર છે તેનું માત્ર ટ્રિગર હોઈ શકે. - પથારીને સુરક્ષિત રાખો. જો તમારું બાળક ખરેખર ભીનું રહેતું હોય તો વોટરપ્રૂફ મેટ્રેસ કવર અને વોટરપ્રૂફ ડ્યુવેટ અને પિલો પ્રોટેક્ટર ખરીદીને રાતના પથારી ભીની થવા સંબંધિત તાણ દૂર કરો. મૂત્રને અવશોષિત કરવા માટે શોષક શીટનો ઉપયોગ કરો. પથારી સંબંધિત સુરક્ષાના વિશાળ શ્રેણીના વિકલ્પો વિશે જાણવા માટે ERIC ની ઓનલાઈન શોપની મુલાકાત લો.
- તમારા બાળકને સૂવા માટે તૈયાર કરો. તેઓને ઓછા પ્રકાશમાં સંગીત સંભળાવીને અથવા પુસ્તક વાંચીને સૂવા માટે તૈયાર કરો. કોઈપણ પ્રકારની સ્ક્રીનથી દૂર રહો - એટલે કે સૂતા પહેલાં ટીવી, iPad, કમ્પ્યુટર ગેમ્સનો ઉપયોગ ન કરવો, નહીંતર મગજને ખોટો સંદેશ મળશે.
- જો તમારું બાળક રાતે જાગે તો તે પોતે શૌચ માટે જઈ આવે તેની ટેવ પાડશો.
રાતના સમયે ઓછા પ્રકાશવાળી લાઈટ અથવા ટોર્ચ રાખો જેથી ખૂબ અંધારું ન રહે. શું તેઓએ બાથરૂમમાં જવું જોઈએ અથવા તેમના બેડરૂમમાં પોટી/બકેટ/બોટલનો ઉપયોગ કરવો જોઈએ? શું તેઓ બંક બેડ પર સૂવે છે? તો ખાતરી કરો કે તે નીચેના પલંગ પર સૂવે. પાયજામાને પહેરવાની કે ઉતારવાની અને જો તે ભીના થઈ જાય તો તેને બદલવાની ટેવ પાડો. - તેઓને ઉપાડીને લઈ જવાનું ટાળો - મતલબ કે તમારા બાળકને શૌચ માટે જવા માટે ઊઠાડો. તેમને ઉપાડીને લઈ જવાને લીધે પથારી સૂકી રહી શકે છે, પરંતુ તેના કારણે બાળક ઊંઘમાં પેશાબ કરી લેશે કારણ કે તેઓને રાતે સાચે જ ઊઠવું પડતું નથી.
- આ પ્રક્રિયા દરમિયાન દરેક પગલાંને અંકિત કરો - જેમ કે ઉચિત પ્રવાહી લેવું, સૂતા પહેલાં પેશાબ કરવો અને રાતના સમયે શૌચાલયનો ઉપયોગ કરવો.
જો મૂત્રાશય સારી રીતે કાર્ય કરે તે માટે 4 પગલાંઓ પર કામ કર્યા પછી, અને સૂતા પહેલાની કરવાની વસ્તુઓની યાદીનો ઉપયોગ કરીને સૂવાના સમયનું ખરેખર સારું રૂટીનના અનુસરણ પછી પણ પથારીમાં પેશાબ થઈ જાય છે, તો પછી પથારીમાં પેશાબ થઈ જવાની સમસ્યાના ક્લિનિક પર કોઈ GP અથવા નર્સની મુલાકાત લો. 5 વર્ષની ઉંમરના બાળકોથી લઈને સારવાર ઉપલબ્ધ છે.
અન્ય કયા કારણોથી પથારીમાં પેશાબ થઈ જાય છે?
કેટલાક બાળકોને જ્યારે પેશાબ કરવા જવું પડે છે ત્યારે ઊઠવું મુશ્કેલ લાગે છે.
આમ થવાનું કારણ એ નથી કે તેઓ ખૂબ ઝડપથી સૂઈ જાય છે - આવું એટલા માટે થાય છે કારણ કે તેમનું મગજ ઊંઘ દરમિયાન તેમનું મૂત્રાશય ભરાઇ ગયું છે તેના સંકેતને ઓળખી શકતું નથી. આને ઘણીવાર 'પૂઅર અરૌસેબિલિટી (ઊઠી શકવાની નબળી ક્ષમતા)' કહેવામાં આવે છે.
મને કેવી રીતે ખબર પડશે?
- પેશાબ થઈ ગયો હોવા છતાં સૂતા રહેવું
- મોડી રાતે પેશાબ થઈ જવો
- મધ્યમ પ્રમાણમાં પેશાબ થવો
- સામાન્ય ઘટ્ટતાનો પેશાબ થવો
કેટલાક બાળકો ઘણા વધુ પ્રમાણમાં પેશાબ થવાથી ભીના થઈ જાય છે.
આપણા બધાના શરીરમાં વેસોપ્રેસિન (vasopressin) નામનું એક – ખાસ હોર્મોન – રાતના સમયે બનતું હોય છે. જે આપણી કિડનીને આપણે સૂતા હોઈએ ત્યારે ઓછા પ્રમાણમાં મૂત્ર બનાવવા માટે સંદેશ આપે છે. કેટલાક બાળકોમાં તેમની ઉંમરના પ્રમાણમાં પૂરતું વેસોપ્ર્રેસિન બનતું નથી તેથી તેમની કિડની ઘણી માત્રામાં પ્રવાહીથી મિશ્રિત મૂત્ર ઉત્પાદિત કરે છે - જે એકત્રિત થઈને તેમના મૂત્રાશયમાં સમાઈ શકે તેનાથી ઘણું વધુ હોય છે.
મને કેવી રીતે ખબર પડશે?
- સૂઈ ગયા પછીના પહેલા 2-3 કલાકમાં પેશાબ થઈ જવો
- વધારે પ્રમાણમાં પેશાબ થઈ જવો
- પ્રવાહીથી મિશ્રિત મૂત્ર
કેટલાક બાળકોના મૂત્રાશય જરૂરી પ્રમાણમાં ફૂલાતા નથી કે જેથી તેઓ રાતના સમયે બનતા તમામ મૂત્રને રોકી રાખી શકે.
મને કેવી રીતે ખબર પડશે?
- રાતના સમયે એક વખત કરતા વધુ વાર પેશાબ થઈ જવો
- પેશાબ થઈ ગયા પછી ઊઠી શકે છે
- ઓછા પ્રમાણમાં પેશાબ થઈ જવો
- સામાન્ય ઘટ્ટતાનો પેશાબ થવો
કેટલાક બાળકોને આમાંથી એક કરતાં વધુ કારણોસર પેશાબ થઈ જતો હોય છે.
મૂલ્યાંકન
- ઓછામાં ઓછા એક અઠવાડિયાં માટે રાતના સમયની ડાયરી પૂર્ણ કરો. તેમના પેશાબ થઈ જવાની વિગતો સમજવાથી એ જાણવામાં મદદ મળશે કે શા માટે તમારું બાળક પેશાબ કરી લે છે.
- તમારી એપોઇન્ટમેન્ટ સમયે આ ડાયરી સાથે લઈ જાવ. ડૉક્ટર અથવા નર્સ ઘણા બધા અન્ય પ્રશ્નો પૂછશે, જેથી તેઓ એ જાણી શકે કે એવો કોઈ સમય છે જ્યારે તમારું બાળક રાતના સમયે પેશાબ કરતું નથી, દિવસના સમયે તેમનું મૂત્રાશય કેવી રીતે કાર્ય કરે છે, તેઓ કેટલી વાર મળત્યાગ કરે છે વગેરે.
- તેઓ એ પણ પૂછશે કે તમારું બાળક તેમને પેશાબ થઈ જવાથી કેટલું પરેશાન છે. રાતના સમયે પેશાબ થઈ ન જાય તેના પર કામ કરવું સખત મુશ્કેલ છે; જેમાં સફળતા હાંસલ કરવા માટે બાળક અને માતા-પિતા બંનેને પ્રોત્સાહિત કરવાની જરૂર છે.
વિશિષ્ટ સારવારો
રાતના સમયે પેશાબ ચેક કરવાનો અલાર્મ (બેડવેટ્ટિંગ અલાર્મ): રાતના સમયે પેશાબ ચેક કરવાનો અલાર્મ એ 'પૂઅર અરૌસેબિલિટી (ઊઠી શકવાની નબળી ક્ષમતા)' માટે યોગ્ય સારવાર હોઈ શકે છે. રાતના સમયે પેશાબ ચેક કરવાના અલાર્મમાં એવો સેન્સર હોય છે જે પેશાબ થવાના શરૂઆતની જાણ કરે છે. જે અલાર્મને સક્રિય કરે છે જેના લીધે બાળક (અને/અથવા માતા-પિતા) ઊઠી જાય છે.
ઊઠવાથી મૂત્રાશયના સ્નાયુઓ સખ્ત બને છે જેથી બાળક પેશાબ કરવાનું બંધ કરે છે. સમય જતાં, આ અલાર્મ બાળકને મૂત્રાશય ભરાઇ ગયા પર તેઓએ ઊઠીને શૌચાલયમાં જવું જોઈએ તેની જરૂરિયાતની સાથે જોડવામાં મદદ કરે છે.
અમુક સમય બાદ તેઓ અલાર્મ વગર સંકેતો પર પ્રતિક્રિયા આપતા શીખી જશે; તેઓ કાં તો શૌચાલયમાં જવા માટે ઊઠશે, અથવા મૂત્રાશયના સ્નાયુઓને સવાર સુધી રોકી રાખશે.
રાતના સમયે પેશાબ ચેક કરવાનો અલાર્મ તમારા સ્થાનિક ક્લિનિકમાંથી ઉછીનું લઇ શકાય છે અથવા ERIC ઑનલાઇન શોપ પરથી ખરીદી શકાય છે. રાતના સમયે પેશાબ ચેક કરવાના અલાર્મની ડાયરીનો ઉપયોગ પ્રગતિનું નિરીક્ષણ કરવા માટે કરી શકાય છે.
ડેસ્મોપ્રેસિન: ડેસ્મોપ્રેસિન નામની દવા બાળકના વેસોપ્રેસિનની માત્રાને વધારવા માટે લઈ શકાય છે. તે સૂવાના થોડા સમય પહેલાં લેવામાં આવે છે અને તે કિડનીને સૂચન આપે છે કે 8 કલાક સુધી ઓછું મૂત્ર ઉત્પન કરે, જેથી કરીને મૂત્રાશય સવાર સુધી મૂત્ર રોકી રાખી શકે.
તેને સૂવાના સમયના એક કલાક પહેલાં લેવું વધુ અસરકારક હોઈ શકે છે જેથી જ્યારે બાળક સૂવાની તૈયારી કરે ત્યારે તે પહેલેથી જ ઓછા પ્રમાણમાં મૂત્રનું ઉત્પાદન કરે.
અમુક કડક સૂચનાઓનું પાલન કરવું જોઈએ, જેમ કે દવા લેવાના એક કલાક પહેલાં પ્રવાહી લેવાનું બંધ કરવું અને લીધા પછી 8 કલાક સુધી કોઈપણ પ્રવાહી ન લેવું. જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે દર 3 મહિને એક અઠવાડિયાં માટે દવા લેવાનું બંધ કરવું જોઈએ.
વધુ પડતું કાર્યરત હોવું (ઓવરએક્ટિવિટી): જો મૂત્રાશય પૂરતું ફૂલાતું નથી, અને બાળક વારંવાર ઓછા પ્રમાણમાં પેશાબ કરી રહ્યું છે, તો પહેલા કબજિયાત માટે ફરીવાર તપાસ કરો. પછી ખાતરી કરો કે બાળક યોગ્ય રીતે પ્રવાહી લઈ રહ્યું છે કે કેમ.
તેમ છતાં જો લક્ષણો ચાલુ રહે તો તે વધુ પડતા કાર્યરત હોવાને કારણે હોઈ શકે છે, એટલે કે જ્યારે જરૂર ન હોય ત્યારે પણ મૂત્રાશય દબાણ કરે છે. આની સારવાર ઓક્સિબ્યુટીનિન અથવા ટોલ્ટેરોડિન જેવી દવા છે.
સંયુક્ત સારવાર: જે બાળકો એક કરતાં વધુ કારણોસર પેશાબ કરી જતાં હોય છે તેમને સંયુક્ત સારવારની જરૂર પડી શકે છે. શ્રેષ્ઠ શક્ય સારવાર પસંદ કરવી જોઈએ. ત્યાર પછી પણ જો પેશાબ થઈ જવાનું ચાલુ રહે તો સારવાર ચાલુ રાખવી જોઈએ અને રાતના સમયની ડાયરીનું પુનરાવર્તન કરવું જોઈએ. તે પછી બીજી સારવાર શરૂ કરી શકાય છે.
વધુ માહિતી માટે
Last Reviewed: January 2024
Next Review: January 2027
Upcoming events
Share this page
